સર્વેનો દાવો: જો હાલ લોકસભા ચૂંટણી યોજાઈ તો BJPને થશે 80 સીટોનું નુકસાન
આગામી વર્ષ એટલે કે 2019માં લોકસભાની ચૂંટણી થવાની છે. સમગ્ર દુનિયાની નજર તેની પર ટકેલી છે કે શું પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર સત્તા બચાવી શકશે કે કોંગ્રેસ વાપસી કરશે.
નવી દિલ્હી: આગામી વર્ષ એટલે કે 2019માં લોકસભાની ચૂંટણી થવાની છે. સમગ્ર દુનિયાની નજર તેની પર ટકેલી છે કે શું પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર સત્તા બચાવી શકશે કે કોંગ્રેસ વાપસી કરશે. આ સવાલનો જવાબ તો 2019 લોકસભા ચૂંટણીના પરિણામ બાદ જ જાણવા મળશે. પરંતુ આ પહેલા એક સર્વેના તારણો ભાજપને પરેશાનીમાં નાખી શકે છે.આ સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે જો હાલ લોકસભા ચૂંટણી થાય તો ભાજપને સીધી રીતે 80 બેઠકોનું નુકસાન થઈ શકે છે. સર્વેમાં કહેવાયું છે કે ભાજપ પોતાના દમ પર બહુમતનો આંકડો પાર કરી શકશે નહીં. આ સર્વે કાર્વી ઈનસાઈટ્સ અને ઈન્ડિયા ટુડેએ મળીને કર્યો છે. જો કે આ સર્વેમાં એમ પણ કહેવાયું છે કે ભાજપના નેતૃત્વવાળા એનડીએને પૂર્ણ બહુમત મળી શકે છે.
આવો સમજીએ સર્વેનો રિપોર્ટ
લોકસભાની કુલ સીટો જેના પર મતદાન થાય છે- 543
ભાજપના નેતૃત્વવાળા એનડીએને 36 ટકા મતો મળવાનું અનુમાન
કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએને 31 ટકા મતો મળવાનું અનુમાન
અન્ય પક્ષોના ખાતામાં 33 ટકા મતો જઈ શકે છે
મતોની ટકાવારીને સીટોમાં જોઈએ તો પરિણામ આ પ્રકારે આવી શકે છે
લોકસભાની કુલ સીટો 543
એનડીએને 281 બેઠકો મળી શકે છે, જેમાંથી ભાજપના ફાળે 245 જઈ શકે છે.
યુપીએને 121 સીટો મળી શકે છે. જેમાં કોંગ્રેસના 83 સાંસદો હોઈ શકે છે.
અન્ય પક્ષોના ખાતામાં 140 બેઠકો જઈ શકે છે.
વડાપ્રધાન તરીકે પસંદ:
નરેન્દ્ર મોદી 49 ટકા
રાહુલ ગાંધી 27ટકા
કેવી રીતે થયો સર્વે?
દેશના 97 સંસદીય ક્ષેત્રના વોટરો સાથે 19થી 29 જુલાઈ દરમિયાન વાત કરવામાં આવી. અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા જ 13 ઓગસ્ટના રોજ સીવોટર અને એબીપી ન્યૂઝનો સર્વે આવ્યો હતો. જેમાં ભાજપ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી હારતી હોય તેવા તારણો છે. મધ્ય પ્રદેશની 230 બેઠકોમાંથી 117 કોંગ્રેસના ખાતામાં અને ભાજપને 106 બેઠકો મળી શકે છે.
જ્યારે 200 વિધાનસભા સીટોવાળા રાજસ્થાનમાં ભાજપ 57 અને કોંગ્રેસ 130 બેઠકો જીતે તેવા તારણો આવ્યાં હતાં. આ ઉપરાંત સર્વેમાં છત્તીસગઢમાં પણ ભાજપનો ખાત્મો અને કોંગ્રેસની સરકાર બનાવવાની આશા વ્યક્ત કરાઈ હતી.